લવિંગ વિન્સેન્ટ

લવિંગ વિન્સેન્ટ,

“ક્યારેક, મસ્યે, ક્યારેક તમે મને એટલા ગમો છો ને!”

વાન ઘોઘ માટે તેમના જીવનમાં માત્ર અને માત્ર એક જ વખત ઉષ્માસભર રીતે ઉચ્ચારાયેલ આ શબ્દો તેણે જે સ્ત્રીને પહેલી વખત ચાહી હતી તે અર્શલાના હતા.

વાન ઘોઘ (ગૉગ) ને વાંચ્યા ને ખૂબ ઘણો સમય થઈ ગયો છે. ત્રણેક વર્ષ જેટલો. પણ કાયમ તરોતાજા જ લાગે. આ પેહલા એક બુક ટોકમાં મેં તેમના જીવન અને કવનનો ચિતાર આપતા પુસ્તક ‘લસ્ટ ફોર લાઈફ’ વિશે વાત કરેલી પણ એમના વિશે કહેવું હંમેશા અધૂરું જ લાગે. એટલે લખ્યા વગર રહેવાયું નહીં. ‘સળગતા સૂરજમુખી’ એ વિનોદ મેઘાણીકૃત ભાવાનુવાદ છે. વિન્સેન્ટ વેન ઘોઘની ઓટોબાયોગ્રાફી.

વિન્સેન્ટ એક ડચ ચિત્રકાર હતો. (છે) તેના પિતા પાદરી હતા. વિન્સેન્ટ ને એક નાનો ભાઈ પણ ખરો.જે એની વાર્તાનો મુખ્ય હીરો છે. તેનો બાપ ઇચ્છતો હતો કે વિન્સેન્ટ પરિવાર નો મોટો પુત્ર પાદરી જ બને પણ વેન ગોગ કોઈ બીજા કામ માટે સર્જાયો હતો. તેને ક્યારેય ગોખેલા ભાષણો આપીને ધર્મગુરુ બનવું મંજુર નહોતું અને એટલે તેણે ઘર છોડી દીધું. એના જીવનમાં અર્શલા આવી. તેને અંતરના ઊંડાણથી ચાહી પણ એ છોકરીને તે નહોતો પસંદ. તેનુ ભગ્ન હૃદય ક્યાંક ઠલવાઇ જવાની ઝંખનામાં ડૂબતું તણાતું ચિત્રકળામાં પરોવાયું. એ પછી એણે ચિત્રો મૂકીને ફરી ઈશ્વર સંદેશ આપવાનું પસન્દ કર્યું. બોરીનાઝમાં કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોને એ ઈશુનો સંદેશ સમજાવતો. પણ ત્યાં તેણે હાડપિંજર જેવા લોકોને જોયા. તેના કૃશ, ચુસાયેલ શરીર કોલસાની ઊંડી ખાણોમાંથી કઈ રીતે બહાર કાઢતાં હશે! એ જોઈને વિન્સેન્ટ વ્યથિત બની ગયો. પોતાની પાદરી તરીકેની નોકરી મૂકીને એ મજૂરોના કોલસા ઉલેચવા માંડ્યો. એણે ખાણોમાં કાળી બળતરામાં નગ્ન અવસ્થામાં કામ કરતી મેશ જેવી સ્ત્રીઓના ચિત્રો દોર્યા. એક રાતે ખાણ ધસી પડી અને એનો ગુનેગાર આ ભલો વિન્સેન્ટ છે એવું સાબિત થતા તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. એ કેટલાય દિવસો સુધી જમ્યા વગર પડી રહ્યો. તેને માટે આ આઘાત અસહ્ય હતો. તેનો ભાઈ થિયો વાન ઘોઘ તેને ત્યાંથી ઉગારીને ઘરે લઈ ગયો. એ ફરીથી કેઈ નામની તેની માસિયાઈ બહેનના પ્રેમમાં પડ્યો. પણ એમ કરવા જતાં એ ઉતરતી કક્ષાની માનસિકતા વાળો સાબિત થયો. ફરી પાછો એ ઘર છોડીને ભાગી ગયો. એ હેગ શહેરમાં આવીને વસ્યો. તેનું ચિત્રકામ આડે હાથે ઉપાડ્યું. એક પ્રોસ્ટિટ્યૂટ સ્ત્રીની દર્દનાક કહાની સાંભળીને એને પત્ની બનાવીને રાખી. પણ એ તેને છેતરીને ચાલી ગઈ. સખત નિષ્ફળતાઓથી એનું જીવન ઘેરાતું ચાલ્યું. તેને વાયના રોગ જેવી બીમારી થઈ. લોકોએ તેને પાગલ કહી દીધો. તેને અતિ પજવ્યો. એક દિવસ તેણે પોતાનો કાન કાપી લીધો. પણ છતાં એ સ્વસ્થ જ હતો. એણે પગલખાનમાંથી અત્યન્ત શાણપણ ભર્યા પત્રો લખ્યા છે. ચિત્રો પણ ચીતર્યા છે. ત્યાંથી એ તેના ભાઈ થિયોના ઘરે રહેવા જતો રહ્યો. થિયોની પત્નીને એ બોજ લાગે છે એવો તેને અણસાર આવ્યો અને પોતે ખેતરમાં ચિત્ર બનાવતા બનાવતા પડખામાં ગોળી ખાઈ લીધી. એક દિવસ બાદ તે મૃત્યુ પામ્યો. એના મૃત્યુની ક્ષણ પેહલા એ રખડુ, અણઘડ , આવરા, પાગલ અને નિષ્ફળ પુરુષ હતો પણ તેના મૃત્યુ બાદ એ મહાન ચિત્રકાર તરીકે પંકાયો. તેની આ સામાન્ય વાર્તા છે, પણ એ વાર્તા ખાસ છે કેમકે એ કળાકાર હતો. એ કળાકાર તરીકે જીવ્યો હતો. ભલે બીજા કોઈએ એમ નહોતું માન્યું પણ એ કલાને ખાતર જ જીવ્યો હતો. તે એક ચિત્રકાર હોવાની ભારોભાર એક ઉમદા તત્વચિંતક હતો. લેખક, સમાજસેવક, સર્જક અને પ્રેમી. આટલું ઓછું નથી! તેમણે કુલ 900 જેટલા ચિત્રો સર્જ્યા હતા જેમાંથી તેના જીવતા માત્ર એક જ ચિત્ર એ વેંચી શક્યો હતો. અને 600 જેટલા તેના ભાઈ થિયો ને લખેલા પત્રો. તેના દરેક કારમાં કાળે તેનો ભાઈ થિયો તેના પડખે ઉભો રહ્યો હતો. લક્ષમણ સરીખો. એ માણસ જીવ્યો ત્યાં સુધીમાં એક રૂપિયો કમાઈ નહોતો શક્યો પણ આજે તેના એક એક ચિત્રો ઉપર સેમિનારો યોજીને વિવેચકો લાખો કમાય છે, તેના ચિત્રો હજારો ડોલરમાં વેંચાય છે, એના ફેન ફોલોવર તેના ક્વોટલખી લખીને હજારો કમાય છે. 65000 નકલો બનાવીને વેંચાય છે. પેરિસમાં તેની આખી ગેલેરી છે. ચિત્રો જ નહીં તેના એકે એક પત્રને સંઘરી રાખવા માટે આખું મ્યુઝિયમ ખડું કરી દીધું છે. તેના જીવન વિશે પુસ્તકો લખીને લેખકો પણ કમાઈને ધરાણા. ફિલ્મો બનાવીને એક્ટરોએ એવોર્ડ પણ મેળવ્યા. પણ એને પાગલ તરીકે લોકોએ નવાજીને તેની સખત અવહેલના કરી હતી. 28 વર્ષની ઉંમરે તેને ચિતરવાનું શરૂ કરેલું તે 38 એ મૃત્યુ પામ્યો. વિન્સેન્ટ એક ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર હતો. નવો ચીલો પાડનાર. તેના ચિત્રોને તેણે અનોખા રંગોથી સર્જેલા. તેના રંગ સંયોજનો થકી ચિત્રોમાં ભાવ ઉપસાવવાની આવડત અજોડ હતી. પેરિસમાં એ હતો ત્યારે તેના સાથી ચિત્રકારોને એ લાંબી ચર્ચાઓ કરીને રંગ સંયોજનો અને તેના ઊંડાણ વિશે એ સમજાવતો. પેરિસના રેસ્ટોરાંમાં એ કલાકો વક્તવ્યો આપીને વિતાવતો. કળા પ્રત્યેની તેની ગહન ફિલોસોફી સરાહનીય છે. એ પોતે સમજતો હતો કે દુનિયાને આવી સૂફીયાણી વાતોની જરૂર છે. એ કહેતો કે કળા અને સાહિત્ય જ લોકોને જીવવા જેવા રાખે છે. તેનું 'સ્ટેરિ નાઈટ' ચિત્ર જગવિખ્યાત છે. કદાચ તેના ભાવો કળી શકાય એમ સમજીને લોકો એની નકલો ઘરમાં લગાવે છે. પણ તેના મનોજગતને પામવું એટલું સહેલું નહોતું. એક સાયપ્રસનું વૃક્ષ આકાશને ચૂમે છે અને તેની પશ્ચાદભૂમાં અમુક વલયો રચાય છે એનો અર્થ સમજાવતા યૂ-ટ્યુબ પણ ઘણા વિડિઓઝ છે. અલબત્ત અટકળો છે. અને એ ચિત્ર તેણે પગલખાનમાં બારી પાસે બેસીને બનાવેલું. 'લસ્ટ ફોર લાઈફ' પુસ્તક લખનાર અરવિંગ સ્ટોન આ પુસ્તક લખીને પ્રકાશક માટે ઘર ઘર ભટકેલા પણ કોઈ તેનો હાથ જાલવા તૈયાર નહોતું. પણ જિન નામની એક સ્ત્રી પ્રકાશકે તે પુસ્તક પ્રકાશિત કરવા માટે વાંચવા માંગેલું અને આ પુસ્તક તેને એટલું ગમી ગયેલું કે એ સ્ત્રી લેખકને પરણી ગઈ. (વિન્સેન્ટ કેટલો ખુશ થયો હશે! કેમકે તેણે ત્રણ ત્રણ સ્ત્રીઓને ચાહી છતાં તેને એકનો પણ પ્રેમ નહોતો મળ્યો.) નંદીગ્રામમાંથી આ પુસ્તક વાંચ્યા બાદ મકરંદ દવેએ પણ એક લાંબી લચક કવિતા લખી છે.

વિન્સેન્ટે પગલખાનમાંથી લખેલો એક અદભુત પત્ર પણ પુસ્તકમાં સામેલ છે.

………………. વ્હાલી માં,

… તને આપેલું વચન આજે પાળી રહ્યો છું. થોડા લેન્ડસ્કેપ ચિત્રો, એક મારુ પોતાનું નાનકડું પોટ્રેઇટ અને એક ઘરની અંદરનું દ્રશ્ય મોકલવું છું, જોકે મને ભય છે કે કે આ ચિત્રો જોઇને તને નિરાશા થશે અને એમાંનાં કેટલાંક અંશ તને નીરસ અને કદાચ કુરૂપ પણ લાગશે. આ ચિત્રોનું શુ કરવું તે તું અને વિલ (બહેન)મળીને નક્કી કરજો. તમને મન થાય તો આ ચિત્રો બીજી બહેનને પણ આપજો. હું તો એમ ઇચ્છું છું કે એ બધા એક જ જગ્યાએ સચવાય કારણ કે એમનું મૂલ્ય એક સમૂહ તરીકે એક દિવસ ઘણું વધારે અંકાશે. અલબત્ત, તારે ઘેર એ બધા સાચવી શકાય એટલી મોકળાશ નથી તે હું જાણું સાધુ એટલે એમ સુચવું કે હમણાં એ બધા તારી પાસે જ રહેવા દે; એમાંથી તને ક્યાં ચિત્રો ગમે છે એ તું ચિત્રો થોડો સમય જોયા કરવાથી વધારે સારી રીતે નક્કી કરી શકીશ…થોડાં વધારે ચિત્રો આ સાથે જ મોકલી શક્યો હોત તો સારું લાગત પણ એ હવે આવતા વર્ષ માટે બાકી રાખું છું. મેં મોકલેલા મારા પોટ્રેઇટને જોઈને તને થશે કે પેરિસ, લંડન અને એવા મહાન નગરોમાં વર્ષો વિતાવવા છતાં હું લગભગ ગામડિયો ખેડૂત જેવો જ દેખાઉં છું. મને ક્યારેક ક્યારેક એમ પણ થાય છે કે વિચારે અને ભાવે-પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું. ફેર ફ્ક્ત એટલો જ છે કે ખેડૂતો આ દુનિયા માટે મારા કરતાં વધારે ઉપયોગી છે. માનવીની ભૌતિક જરૂરિયાતો સંતોષાય પકચ્છી જ એને પુસ્તકો, ચિત્રો વગેરેમાં રસ જાગૃત થાય છે અને એની જરૂર જણાવા લાગે છે. ખેડૂતો ખેતરોમાં જેટલી તનતોડ મહેનત મજૂરી કરે છે એટલો જ સખત પરિશ્રમ હું મારા ચિત્રો ચીતરવા પાછળ કરું છું એ સાચું, પકન મારી પોતાની મૂલવણી અનુસાર એ સ્પષ્ટ છે કે ઉલયોગીતાની દ્રષ્ટિએ ખેડૂતો મારાથી ઘણી ઉચ્ચ કક્ષાએ છે.

એ તો જાણે ઠીક પણ મારા આ વ્યવસાયમાં બધું સીધુ નથી ઉતર્યું.સાચું કહું તો હંમેશા એવું જ થતું આવ્યું છે…

પીંછી ચલાવવાનું શીખવાની મહેનત કરનારને પછી ચિત્રકામમાં કોઈ અંતરાય નથી. બીજાની સરખામણીમાં તો હું ખુશનસીબમાંનો એક ગણાવ. આ વ્યવસાય અપનાવ્યા પછી નિષ્ફળતાને કારણે ચિત્રકામ પડતું મૂકવું પડ્યું હોય એવાના શા હાલ થાય હશે એનો વિચાર કરીએ. એવા લોકો ઓછા નથી… ચિત્રકાર બની શકવા અને રહી શકવા બાળક હું ઘણો ભાગ્યશાળી ગણાવ. બિચારા બીજા!

કોઈએ ભ્રમણામાં ના રેહવું જોઈએ , તને સાવચેત કરવા માટે લખું છું…

આ પગલખાનાના એક દર્દીનું પોટ્રેઇટ હમણાં હું ચીતરી રહ્યો છું. આ જીવન વિચિત્ર તો લાગે પણ થોડો સમય પાગલો સાથે વિતાવ્યા પછી ટેવાઈ જવાય છે અને પછી એમને પાગલ તરીકે જોવાનું રહેતું નથી. તને ચુંબનો કરી રહેલો તારો.... વ્હાલસોયો વિન્સેન્ટ * * *

રણવીર સિંહે તાજેતરમાં જ તેના સેલ્ફ પોટ્રેઇટ અંદાજમાં પોતાનો ફોટો શેર કર્યો હતો અને તેમાં વાન ઘોઘનું એક ક્વોટ મૂક્યું હતું કે….

જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ છીએ તેમ જીવન વધુને વધુ મુશ્કેલ બને છે, પરંતુ મુશ્કેલીઓ સામે લડવામાં હૃદયની અંતર્ગત શક્તિનો વિકાસ થાય છે.

વિન્સેન્ટ વેન ઘોઘ.

આવતા જતા જરા

સવારના સાડા સાત વાગ્યા હતા. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી તો હજુ વર્તાતી નથી પણ મોસમ પહેલાની ખુશનુમા ઠંડી હલકી હલકી અનુભવાય એવા આ દિવસો છે. વંથલી સ્ટેશનથી બસ ઘેડ પંથકના જાજરમાન બરડા ભણી ચાલી. સ્ટેશન પરથી ચડેલા મુસાફિરોની ચહલ-પહલ ઓસરી હતી. હોઠ પર ખામોશી અને આંખોમાં લીલા ખેતરોને જોતા સૌ કોઇ આરામથી બેઠા હતા. મારી તદ્દન આગળની શીટમાં બેઠેલી બે સ્ત્રીઓએ વાતો શરૂ કરી. બંને સ્ત્રી મહેર (કાસ્ટ) હતી. બંને વચ્ચે ઘણી ઔપચારિક વાતો ચાલી. બારી પાસે બેસેલી સ્ત્રીનું નામ હતું 'લીરી'. જોકે એમના હાથમાં છૂંદણા પરથી ખ્યાલ આવ્યો. એ પાછળથી ખબર પડી. સહજતા અને નિખાલસતાથી ચાલતી વાતની હું પણ હિસ્સો હતી. પણ મૌન. પેલી સ્ત્રીએ પૂછ્યું " તી આમ ઝુનાગઇઢ ગ્યાતા ?"

“ના રે ના, હું તો ગ્યરમાં ગઈ’તી.” લીરીએ કહ્યું.

“ન્યા હગા હયશે કાં ?”

” હગા તો ન્યથ પણ મારે બે ભીંહુ લેવી તયુ તી હારું તાલારા (તાલાલા) પાંહે એક નેહળો સે ન્યા જોવા ગઈ’તી.”

” લે, તી જમીન વાવતા હયશોને! બાપા અત્યારેતો ભીંહુય કેવી મોંઘયું થઈ ગ્યું.”

” ના બીન, જમેન તો ઝાઝી ન્યથ. બધાય ભાયુની હંયારી હતી તી એમાં કાંવ વરે? પણ તમારા ભાઈને બવ હતું જમેનનું તી કોઈ દિ વેસવા જ નો દીધી. પણ ઓણ ઉનારે એને બેન હુમલો આયવો એમાં દેવ થઈ ગ્યા.”

પેલી સ્ત્રીએ અફસોસ વ્યક્ત કર્યો. પછી વાત આગળ ચાલી.

” જમીનના પૈસા આયવા એનું મકાન લીધું.”

ચેહરો નહોતો જોઈ શકાતો પણ એના અવાજમાં કૈંક ગંભીરતા જન્મી. ખુલ્લી પીઠ પર ઓઢેલો ‘સાડલો’ આંટા માર્યા કરતો હતો.

“ને થોડાક પૈસા વયધા એની હું કવ ભેંહુ લય લવ તો કૈંક આવકેય થાય ને એકલા એકલા જીવેય પોરવાય. આમ તો આખોદી મુયલે વય જાવ પણ મારો એક દીકરો બેન. (પેલા બેન તરફ જોઈને) ઈ રાજકોટ ભણે. એના હારું પૈસાય ભેગા થાય. ” વાત દરમિયાન બસમાં ઘણા મુસાફરો ચડ્યા. જેમાં કોઈ તરફ જોઈને પેલી સ્ત્રીએ કહ્યું " મને તો આવા મવાલી જેવા ને જોઈ ને બીક લાગે"

“લ્યો, તમને ખબર સે અત્યારે મારા પહેરણ(બ્લાઉઝ)માં એક લાખને એંહી હજાર સે” લીરીએ તેની છાતી પર હાથ મૂકીને કહ્યું.

” ને આયજ હવારે પાંચ વાયગે બસટેનમાં તો કોઈ નતું. પણ મને બીક ફિક નો લાગે. હું તો રાયત-વર્યતમાં પાણી વારવાય જાતી.”

“લે, કયર વાત, ભગવાનેય જોતો. કેવા દુઃખ મેલે. બાઈ માણહ ઉઠીને રાયત-વર્યત જાવું પડે.”

” બેન, એમાં દુઃખ શેનું! મને તો રોદણાં રોવા જ નો ગમે. ઓલા કે ને કે પાણીની ટોપળી(તપેલી) ભયરી હોય ને એમાં તેલ નાખોને તો ઉપયર ઉપયર તેલ જ દેખાય. ને એવું જ દુઃખનું સે. પાણી એટલે સુખ. ઈ તરીયે હોય. એટલે જ ન દેખાય. પણ આપને તેલ એટલે દુઃખ જ દેખાય. પણ એને ફૂંક મારીયેને તો નીચે પાણી જ હોય.”

વાતો થતી રહી અને તેની ખુલ્લી પીઠ પર સાડલો ફરકતો રહ્યો.

બાઈ

ઘાટ

હું બે હાથ જોડીને ઉભી છું. ઘડિયાળમાં 5:54 વાગ્યા છે. છ વાગ્યે શ્રી દ્વારિકાધીશના દર્શન થશે. મંદિરનું ગર્ભગૃહ બંધ છે. શોર-બકોર અને ધક્કામુક્કીની વચ્ચે હું ઉભી છું. હજારો લોકોની નજર મોટી ઘડિયાળના કાંટા પર ટેકવાયેલી છે.

લોકો. યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ અને થોડાક ભાવુકો. દરેક સેકન્ડે કોલાહલ શમતો જતો હતો. દીવાલ પર લટકતા એક વૃક્ષચિત્ર પર ધ્યાન પડ્યું. શ્રીકૃષ્ણના સમગ્ર વંશનો‘આંબો’ હતો. જેમાં સ્વાભાવિક પણે શ્રીકૃષ્ણનું નામ શોધવાનું પહેલુ આકર્ષણ હોય.

એક ફૂલમાં તેના ચિત્ર સાથે બોલ્ડ અક્ષરે 'શ્રી કૃષ્ણ' લખેલું હતું. યયાતિથી શરૂ કરીને આ વૃક્ષ ઉપર સુધી ફુલેલું ફાલેલું હતું. યયાતિ અને દેવયાની મારા દિમાગના કોઈ ખૂણે આળસ મરડીને ઊભા થયા. નહુષ નામ મને દેખાય એ પહેલાં જ કોઈએ બૂમ પાડી 'દ્વારકાધીશ કી.....' લોકોએ પ્રતિસાદ આપ્યો 'જય'. એ પછી ત્રણ વાર લગાતાર 'જય' બોલાવી. રૂંવાડે કંપારી રમીને જતી રહી. હજારોની ભીડમાં 'હું કોણ છું?' એ શાશ્વત સવાલ જન્મીને તરત જ મૃત્યુ પામ્યો.

શાર્પ છ વાગ્યે ઉઘાડ થયો. દર્શન થયા. હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા લોકો પાસે એક મિનિટથી વધુ સમય નહોતો. લોકો ઘરની બહાર નીકળે એટલે 'ભીડ' બની જતા હોય છે. અહીં પુજારીઓ નું કામ હોય છે 'ભીડને નાથવી'. આ મંદિરની ખાસ વાત છે 'ધજા'. 78 મીટરથી પણ વધુ ઊંચાઈએ દિવસમાં પાંચ વખત શ્રદ્ધા ફરકાવવી.

હું ઘાટ તરફ ચાલી.

ઘાટ! ઘાટને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. તેને બે અંત્ય બિંદુઓ છે. એક એને ભરે છે. બીજો ખાલી કરે છે. મીઠાશ અને ખારાશ વચ્ચે ઘાટ સંતુલન રાખીને તેનું સ્થાન બનાવી રાખે છે.

ઘાટને પોતાના લોકો હોય છે. અહીં જેને ઘર નથી એને ઘાટ છે. એ લોકોના પાપ ધોવે છે અને ખુદ વિશુદ્ધ થતો સજ્જન છે. મિલનસાર હોવું તેનો સ્થાયી સ્વભાવ છે. ઘાટ માણસિલા હોઈ છે. તેની પાસે જીવત્વ છે. કહાનીઓ છે. કિસ્સા છે. તેનું જીવનવૃત્તાંત સીમિત છે પણ અલાયદું છે.

સૂર્ય હવે ઘડીક હતો. આકાશ અને પાણીનો એકમય ચેહરો હતો. જેને થોડી વાર પેહલા જ કોઈએ કેસુડાથી ધોયો હોય તેવો. તાજો અને કેસરિયો. એક લાંબી પરસાળ ચીરીને મારે સંગમ સુધી જવાનું છે. જેનો એક છેડો ઘાટમાં ડૂબતો જાય છે અને બીજા છેડે છે મંદિરો. ઘણા મંદિરો. દેરીઓ, સાધુઓ, સ્ત્રીઓ, સહેલાણીઓ, કેમેરાધારી ટુરિસ્ટો, પથ્થર વેંચતા ફેરિયાઓ, યાત્રાળુઓ, પૂજારીઓ, કર્મકાંડ કરતા પંડિતો, અને ગાયો. ઘાટના પગથિયાં કિંમતી હોઈ છે.

થોડીક સ્ત્રીઓ પાણીમાં ઉભી છે. તેમની છાતી પર પાણીનો અભિષેક કરે છે. કોઈના હાથમાં પતરાળા છે. જેમાં રાખેલ વાટો કઈંક ફફડાટથી બળી રહી છે. જમણી બાજુએ રહેલ દેરીઓમાં ધૂળ ચડેલી રુદ્રાક્ષ માળાઓ લટકાઈ રહી છે. બળી ચૂકેલ અગરબત્તીના ઢગ છે. જગજગારા મારતા લિસા પથ્થરો. અને તેને વેંચી તથા ખરીદી રહેલ લોકો. કબુતરોના ઝુંડ. અને તેને ચણ આપતા લોકો. પાણીમાં ફૂલ અર્પણ કરી રહેલ એક વૃદ્ધ.

થોડે આગળ પોર્ચ છે. જેમાં ચર્સ પર ભેગું બેસેલું પરિવાર 'એકલું' છે. તેઓ બધા સાથે એકલા છે. મુરાદ પુરી કરવા ઘાટમાં સિક્કાઓ ખોઈ રહેલા લોકો. એ સિક્કાઓ શોધીને પેટયું રળતા બાળકો. ખોડ-ખાંપણ ધરાવતા ભિક્ષુકો. અલગારી ફકીર. વચ્ચે સ્નાન કરી રહેલ સાધુ. ડૂબકી મારી રહેલ સાધુ. ડૂબતા સૂરજને અર્ધ્ય આપતા સાધુ. તારી રહેલ સાધુ. ડૂબી રહેલ સાધુ.

સંગમ સુધી બધું ભરચક છે. અંતે જ્યાં મંદિર છે તેની બગલમાં છે સાગર. ક્રિસ્ટલ ક્લિયર. અફાટ. ઉછાળા લેતો અરબ સાગર. જેને વિશાળ છાતી છે. જેમાં ગોમતી સમાઈ રહી છે. આ અંત છે. અહીં આ જગ્યાએ નદી નથી, ઘાટ પણ નહીં કે ન તો સાગર. કાં તો ત્રણેય છે અથવા એક પણ નહીં.

ઘાટ

આવતાં-જતાં જરા

ધોમ તડકામાં અવાવરું રસ્તે લાલ ઓઢણું બેઠું હોય તો આંખે તો વગળે જ ને. કાપડની થેલી પોટલાં જેવા પોતે એક રામ બાવળના ઓછાયે બેઠા હતાં. એ કહે તે પહેલાં જ મેં પૂછી લીધું .
” બા, આવવું છે?”

“તો તો તારા જેવો ભગવાનેય નય.. મળી.”

અને લાલ ઓઢણું ઠેલી સોતું મારી પાછળ બેસી ગયું.
” માં, નોકરી કરે સે?”

“હા…સોકરાવ ને ભણાવું.” દેશી બોલવાની મજાક ક્યારેક હું મારી સાથે કરી લવ.

” સોકરાવને ભણાવવું તો હઉથી હારું કામ…પાઠ ભણાવવાનો, વાર્તાયું કે’વાન્યું ને દી’ આખો હાસવવાના… કોઈ કર્તા કોઈ માથાકૂયટ નય. ને કોઈની હાયરે લેવાદેવાય નય. મારો સોકરો ને વોવેય માસ્તર જ સે. જામનગર. હું ને તાર બાપા આય જંમી હાસવીએ.” તેણે હવામાં ફરફર ઉડતું ઓઢણું સંકોરીને ભેગું કર્યું. મેં સ્પીડ ધીમી કરી.

“સરખા પકડીને બેસજો. ઉભી રાખું?”

“ના રે ના… ફૂલ જાવાદે.. કંઈ નો થાય…આ જો હરખી બેહી ગઈ. હમજી…” ફૂલ શબ્દ ઉપર ભાર મુક્યો. મને હસવું આવ્યું.
” કાંવ હહય્ણ આયવું? હું તાર બાપાનેય કવ કે ટવરક ટવરક કાંવ હાંકે? ફુલમફાસ ભગાવે તયે આરો આવે.”

” ને પણ બાપો તારો ટાઠો સે.. મુર્ય નો હલે…હું ઉઠીને સા કરીને હાવેણી કરી લવ તોય એને સા નો પીવાણો હોય. અડારીમાં મોઢું ભરાવી રાખે.” અને ખડખડાટ હાસ્ય મારી પીઠ પાછળથી રેલાયું.

” દાતેંડુ લઈને સાહટીયો વાઢતાં હોય તો ઈંમ થાય કે ઝટી ને વાઢી નાખું…પણ પસે ઈનું કામ ઇ કરે…મને થોડાં રોટલા ઢીબવા લાગશે?” “હેં!”

“બાપા એક કામ તો કરતાં જ હશે… તમારી વાતું સાંભળવાનું…” મેં તો અમથું જ બોલી નાખ્યું. પણ એ.અમથું જ નહોતું.

” ના…ઈય નથી કરતાં… કાને બેરા સે…” ખડખડાટ હાસ્ય.

“મને હાંભરવા વારું કોઈ નમરે.. નકર હું કોઈનો વારો ન આવવા દવ…સોકરાવ બધાંય બાયર સે..ને બાપા બેરા…પસે તાર જેવું કોઈ મળી જાય તો આપણે હાંકયા કર્યે.” ઓચિંતું કોઈ રસ્તે મળે ને પછી....ધ્રુવદાદાના શબ્દો તાજા થયાં. દરરોજ એરણડ્યાંનું સેવન કરતાં લોકોના મેળામાં કોઈક અભણ ઓઢણું વાતની વાતમાં હસાવી જાણે તેનાંથી વિશેષ શું જોઈએ. તેનું લાલ ઓઢણું હવામાં ફરફરતું મને રિઅર વ્યુ મીરરમાં દેખાયા કર્યું. બા અને બાપાની વાતો છેક સુધી ખૂટી નહીં. રસ્તો આજે ટૂંકો પડ્યો. અને એમની વાત સાંભળવા બદલ મને છાશની બોટલ ઓફર કરી. મારી ના હોવા છતાં જબરદસ્તી તેમણે મારા હાથમાં બોટલ પકડાવી. અને લાલ ઓઢણું ફરફર કરતું તેની શેરીમાં અલોપ થઈ ગયું.

#road_diaries

બા

એમણે ડૂસકું ભર્યું ત્યારે ખબર પડી કે બા તો ક્યારના રડે છે. તેમની સાથે જ સૂતી હોવા છતાં મને ખબર ન પડી કે એ ક્યારના રડે છે. પણ ડૂસકું અછતું ન રહ્યું. મેં ખભો પકડીને મારી બાજુ ફેરવ્યા અને કંઈક ચોરી પકડાઈ ગઈ હોય એમ એ લપાઈ ગયા. મેં ભીના ગાલ જોયા. હાથ વડે આંસુ લૂછયા અને એમનો ડૂમાનો છૂટો ઘા થઈ ગયો. બાને મેં બહુ જ ઓછાં રડતા જોયા છે. દુઃખની ચરમસીમાએ પણ એ સ્થિર રહી શકે તેમ છે. પણ એ રડ્યા કેમકે ટીવીમાં સીતાજીની વિદાય ચાલી રહી હતી.

વિદાયથી બા ને હવે શેનો ડર? એક સ્ત્રીને વિદાય આપતી બધી સ્ત્રીઓની મનોદશા એક સરખી જ હોય છે. એક્ત્વ જન્મતું હશે કદાચ. સ્ત્રીત્વનું આંસુ દ્વારા સન્માન થતું હોય છે. છોડી દેવું એ સ્ત્રીઓનો સ્વભાવ બની ગયો છે. અને આ છોડી દેવાનું દુઃખ આવી પડ્યું છે તેને એકસાથે બધી સ્ત્રીઓ સંપીને રડી કાઢે છે. બધાના આંસુમાં સરખી વેદના દેખીને એકબીજાને સાંત્વના મળે કે હું એકલી નથી છોડતી. આ બધી બિચારીઓ જ છે. કેવું એકાત્મ!

મેં અમથું હળવું માહોલ બને એ માટે કહ્યું " બા, તમને તમારું ઘર યાદ આવ્યું? જવું છે? પણ હમણાં ન જવાય. મોદીકાકાએ ના પાડી છે." એમણે રડતા-રડતા કહ્યું " મારા હીરા મને મૂકીને વયા ગ્યા એનું રડવું આવે." #રામાયણ #વિદાય #બા

છકડો

પૈડામાં રાંઢવું વીંટાળ્યું અને તેમણે ઉંહકારા સાથે બળપૂર્વક રાંઢવું ખેંચ્યું. છકડાના એન્જીને બે હળવા થડકલા ખાઈને બુમરાડ કરવાનું શરૂ કર્યું. ત્રણ પેસેન્જર અને ડ્રાયવર અમે ચારેય ચારે દિશામાં મોં રાખીને ગોઠવાયા. રિક્ષાની પાળી પર એ બંને સ્ત્રીઓ ઉગમણે- આથમણે મોં રાખ્યાં. હું પછાટે.

સૂકા બાવાળો ને ધકેળતો છકડો આગળ ચાલ્યો.
“કોઈ ઑપ થઈ ગ્યું સે?” ઉગમણેથી સવાલ ઉગ્યો.

” હંઅ….માર હાહુંન મોટા ભાય.” આથમણેથી ગરીબડો અવાજ બોલ્યો.

“લે… અરરર..”

થોડી વાર છકડાએ શોર કર્યો.

“એમ તો મોટી ઉંમરના હતાં.. કંઈ દખ જેવું નથ. બિમાર્ય હતા.. તી સુટી ગ્યાં. “

” હાં, માંદા માંણાં તો જાય એમાં ભાય્ગશાળી કે’વાય.”
‌ છકડાએ ફરી જોર પકડ્યું. ક્યાંક બાવળની બગલમાં ગુલમહોર ગલગલીયા કરતો ઉભો હતો. બરડાનાં બરડા પર સૂકું-લીલું સાથે ગેલ કરે છે.

‌” સપ્પલ કિંમ નથ પેર્યાં?” ઉગમણેથી ફરી સવાલ ફૂટ્યો.

‌” માર દીકરાની બાધા સે….બવ માંદો થાતોન તી મેં માય્નતા રાય્ખી’તી.” તેણે અવાજ પર વજન મુક્યો.

‌” દુવાયરકાધીશની. તે દી’ન આયજ લગણમાં કોઈ દી’ નખમાંય રોગ નથ.” તેણે ઉમેર્યું.

‌” એનું હાસ જ એવું સે વો.” વાતને સમર્થન આપતા તેણીએ કહ્યું.

‌” ને હવે તો જમીં ખેડે સે. એનો બાપો ભીંહુમાં જાય ને પોય્તે હંધુય હંભારે સે”.

‌” ઈંમ! વોવ સે ઘરે?” તેમણે છકડાના અવાજને દામવા પોતાનો અવાજ ઊંચો કર્યો.

‌”ગોતીએ સીએ સોકરી.”

‌” માર ભત્રીજીનુય ગોતે સે. અસલ પાંસ હાથ પુરી સે. રૂપારિય એવી. ને કંઈ કામ અજાય્ણું નંમરે.”

‌”હેં!” તેણીએ અત્યંત ઋજુ અવાજે હોંકારો ભર્યો.

‌” ને કોઈ ફતુર નય. હમણાં જો અમાર ન્યા લગન હતા ને તો કંઈ વધારાનું બોલવું સાલવું કંઈ નય ને. ને ભીંહુય દોય લ્યે. હાવ હોજી સે અમાર સોનલ.” તેણે પ્રભાવ પાથર્યો.

‌” હંઅ….તો વાત કર્યે.”

‌ પછી બંને પક્ષેથી તસુએ તસુની વાત નિપજી. વખાણની હોડ શરૂ થઈ. લગભગ- લગભગ સગપણ નક્કી થઈ ગયું સમજો. છકડાએ વચ્ચે- વચ્ચે લગ્નગીત ગાયા કર્યું.